જાન્યુઆરી 2000 માં દાવોસ, સ્વીટઝરલેંડમાં 'વિશ્વ આર્થિક મંચ'ની એક સભામાં “એક પરંપરાની પ્રથા કેવી રીતે અંધ વિશ્વાસ અને સાંસ્કૃતિક તત્વોને ઓળંગી બહાર જઈ શકે છે અને ધર્મના સારને પ્રગટ કરી શકે છે” તે વિષય પર શ્રી ગોએંકાજીનો સાધારણ મૂળ પાઠ નીચે આપેલ છે:
સારું છે કે આજે આપણે બધા ધર્મના વિવિધ પાસાંઓની ચર્ચા કરવા માટે અહીં છીએ. આ ધર્મ કે તે ધર્મ નહીં પણ ધર્મ, ધર્મની જેમ.
ધર્મના બે નોંધપાત્ર પાસાં છે, જેમાંથી એક ધર્મનું સખત કેન્દ્ર છે; ધર્મનું સારતત્વ, જેનું ખૂબ મહત્વ છે. આ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાથી ભરેલું નૈતિક જીવન જીવવાનું છે.
દરેક ધર્મ અનિવાર્યપણે નૈતિકતાનો ઉપદેશ આપે છે. આ બધા ધર્મોની સમાનતાનું સૌથી મોટું સામાન્ય સ્તર છે.
નૈતિક જીવન એક એવું જીવન છે જ્યાં આપણે એવા બધા કર્મોથી, કાયિક અથવા વાચિક, દૂર રહીએ છીએ, જે અન્ય માણસોની શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડે છે. નૈતિક જીવન હંમેશાં નકારાત્મકતાઓ જેમ કે ક્રોધ, ઘૃણા, દુર્ભાવના અને દુશ્મનાવટ થી મુક્ત રહે છે.
નૈતિક જીવન, સાચું ધાર્મિક જીવન, જ્યાં આપણે પોતાની અંદર શાંતિ અને સૌહાર્દમાં રહીએ છીએ અને બીજા લોકો માટે શાંતિ અને સૌહાર્દ સિવાય બીજું કશું ઉત્પન્ન કરતું નથી.
સાચું ધાર્મિક જીવન એ "જીવન જીવવાની કળા" છે, નૈતિક જીવનની આચારસંહિતા છે, અને સુખી, સૌહાર્દભર્યું, સ્વસ્થ અને કુશળ જીવન જીવવું છે. સાચું ધાર્મિક જીવન હંમેશાં પોતાના માટે કલ્યાણકારી છે, અન્ય લોકો માટે કલ્યાણકારી છે અને સમગ્ર માનવ સમાજ માટે કલ્યાણકારી છે.
સાચો ધાર્મિક વ્યક્તિ ધર્મનિષ્ઠ, પવિત્ર વ્યક્તિ છે, નૈતિક જીવનવાળો વ્યક્તિ છે, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ મનવાળો વ્યક્તિ છે. શુદ્ધ હૃદયવાળો વ્યક્તિ હંમેશા મૈત્રી અને કરુણાથી ભરેલો રહે છે. સાચો ધાર્મિક વ્યક્તિ એ માનવ સમાજનું અમૂલ્ય રત્ન છે. આવી સાચી ધાર્મિક વ્યક્તિ કોઈપણ દેશ, સમુદાય, કોઈપણ રંગ, કોઈપણ જાતિ, ધનિક અથવા ગરીબ, શિક્ષિત અથવા અભણ હોઈ શકે છે. પ્રત્યેક માનવી સાચી ધાર્મિક વ્યક્તિ બનવા માટે સક્ષમ છે.
સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ મન સાથે અને મૈત્રી-કરુણાથી ભરેલા શુદ્ધ હૃદય સાથે નૈતિકતાનું જીવન જીવવું એ કોઈ પણ એક ધર્મનો એકાધિકાર નથી. તે બધા માટે છે. તે તમામ સાંપ્રદાયિક અવરોધોને ઓળંગી જાય છે. તે હંમેશાં બિન-સાંપ્રદાયિક હોય છે. તે હંમેશાં સાર્વજનીન હોય છે. તે હંમેશાં સર્વસામાન્ય હોય છે.
જો લોકો ધર્મની આ પવિત્રતાની સારતત્વનો અભ્યાસ કરે છે તો વિશ્વના લોકોમાં કોઈ વિવાદ અથવા સંઘર્ષ થવાનું કારણ નથી, પછી તે લોકો ગમે તે સંપ્રદાય કે ધર્મના હોય. માનવ સમાજમાં દરેક વ્યક્તિ ધર્મની આ પવિત્રતાનું પાલન કરીને વાસ્તવિક શાંતિ, વાસ્તવિક સૌહાર્દ અને વાસ્તવિક સુખનો આનંદ માણી શકે છે.
પરંતુ તે પછી ધર્મનું બીજું એક પાસું છે. તે ધર્મનું બાહ્ય છોતરું છે. તેમાં રીતિ-રિવાજ, કર્મકાંડ, ધાર્મિક ઉજવણીઓ, વિગેરે શામેલ છે, જે વિવિધ સંપ્રદાયમાં ફેરવાય તેવી સંભાવના છે. દરેકની પોતાની જુદી જુદી પૌરાણિક અને દાર્શનિક માન્યતાઓ છે, જેમાંથી પ્રત્યેક અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અને અંધમાન્યતાઓમાં ફેરવાય તેવી શક્યતા છે.
નૈતિકતાના, (શીલ-સદાચાર)ના આંતરિક હાર્દની સમાનતાથી વિપરીત આ બાહ્ય સખત ફોતરાં બહુ મોટી વિવિધતા દર્શાવે છે. દરેક સંગઠિત, સાંપ્રદાયિક ધર્મના પોતાના રીતિ-રિવાજ, કર્મકાંડ, ઉજવણીઓ, સંપ્રદાય, માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ હોય છે. દરેક સંગઠિત, સાંપ્રદાયિક ધર્મના અનુયાયીઓ સામાન્ય રીતે તેમના પોતાના રીતિ-રિવાજ, કર્મકાંડો, શ્રદ્ધા અને અંધવિશ્વાસના પ્રત્યે મુક્તિનું એકમાત્ર સાધન તરીકે અતિશય આસક્તિ બનાવી લે છે. આવી ગેરમાર્ગે દોરાએલા વ્યક્તિઓ પાસે નૈતિકતા, મૈત્રી, કરુણા અને સદભાવનાનો છાંટો પણ ના હોય તેવું બની શકે છે અને છતાંય તેઓ એવી ધારણા હેઠળ રહેતા હોય કે તેઓ ધાર્મિક વ્યક્તિ છે કારણ કે તેઓએ અમુક કર્મકાંડ કરી લીધા છે અથવા કારણ કે તેમને અમુક માન્યતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ હકીકતમાં તો પોતાને ભ્રમિત કરી રહ્યા હોય છે અને ધર્મના ખરા સારના અભ્યાસનું અમૃત ખોઈ રહ્યા હોય છે.
અને પછી આ બાહ્ય ફોતરાંનો સૌથી ખરાબ ભાગ છે.
તેમની પોતાની શ્રદ્ધા પ્રત્યે મજબૂત આસક્તિ ધરાવતા લોકોની મક્કમ માન્યતા હોય છે કે અન્ય તમામ સંગઠિત સાંપ્રદાયિક ધર્મોના અનુયાયીઓ નાસ્તિક છે અને તેથી તેઓ ક્યારેય મુક્તિનો સ્વાદ ચાખી શકશે નહીં. તેઓ સંપૂર્ણ રીતે એવું માનતા હોય છે કે બીજા લોકોને તેમના ધર્મમાં પરિવર્તિત કરવું એ એક મહાન ગુણવત્તાવાળું કાર્ય છે અને તેથી તેઓ વિવિધ બળજબરાઈની રીતોનો ઉપયોગ કરે છે.
વિવિધ સંગઠિત ધર્મોના અનુયાયીઓની આવી અંધશ્રદ્ધા ઝનૂની કટ્ટરવાદમાં ફેરવાય તેવી સંભાવના છે જે વિવાદો, વિરોધાભાસો, હિંસક મુકાબલાઓ અને યુદ્ધો-રક્તપાત તરફ પણ લઈ જઈ શકે છે જે સમાજમાં શાંતિ અને સૌહાર્દનો નાશ કરી જબરદસ્ત દુખમાં પરિણમી શકે છે. અને આ બધું ધર્મના નામે કરવામાં આવે છે. માનવ વિશ્વ માટે આ કેટલું મોટું દુર્ભાગ્ય છે.
જ્યારે ધર્મના બાહ્ય ફોતરાં મુખ્યત્વે મહત્વપૂર્ણ બની જાય છે ત્યારે નૈતિકતાનો આંતરિક ભાગ ખોવાઈ જાય છે.
કેટલીકવાર લોકોને લાગે છે કે સખત બાહ્ય ફોતરાં વિના કોઈ ધર્મ હોઈ શકતો નથી, તે ગમે તેટલાં અનિચ્છનીય હોય તો પણ. પરંતુ ભૂતકાળમાં સફળ પ્રયોગો કરવામાં આવ્યા હતા અને આજે પણ કરવામાં આવી રહ્યા છે જ્યાં નૈતિકતાના આંતરિક ભાગને 100 ટકા મહત્વ આપવામાં આવે છે, બાહ્ય ફોતરાંને સંપૂર્ણપણે મહત્વહીન ગણાવીને. આ પ્રથાને સફળતાપૂર્વક અપનાવવા માટેની એક પદ્ધતિ અસ્તિત્વમાં છે જેને વિપશ્યના ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે.