૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિઓની હાજરીમાં આચાર્ય ગોયન્કાજીએ આપેલા પ્રવચનનો ગુજરાતીમાં અનુવાદ
વિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યક
તારીખ: 29 ઓગસ્ટ 2000૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિઓની હાજરીમાં આચાર્ય ગોયન્કાજીએ આપેલા પ્રવચનનો ગુજરાતીમાં અનુવાદ
મિત્રો, આધ્યાત્મિક અને ધાર્મિક જગતના નેતાઓ!
આજે આપણે સૌને એકત્ર થઈને માનવતાની સેવા કરવાનો એક ઉત્તમ અવસર ઉપલબ્ધ થયોં છે. ધર્મ જો એકતા લાવે તો જ ધર્મ છે, ફાટફૂટ પાડે તો એ ધર્મ નથી.
આજે અહીં કન્વર્ઝનના પક્ષમાં બહુ ચર્ચા થઈ. હું કન્વર્ઝનના પક્ષમાં છું, વિરોધમાં નથી. પરંતુ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં નહીં, પણ એના બદલે કન્વર્ઝન દુઃખથી સુખમાં, બંધનથી મુક્તિમાં, ક્રૂરતાથી કરુણામાં થવું જોઈએ. આજે આવા જ પરિવર્તનની જરૂરિયાત છે અને આ કારણગત આ મહાસભામાં પ્રયાસ કરવાનો છે.
પ્રાચીન ભારતે વિશ્વની સમગ્ર માનવતાને શાંતિ અને સામંજસ્યનો સંદેશ આપ્યો. પણ માત્ર એટલું જ નહી. શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય પણ બતાવ્યો, વિધિ પણ આપી. મને એમ લાગે છે કે માનવ સમાજમાં જો સાચેમાં શાંતિ સ્થાપિત કરવી હોય, તો આપણે હરએક વ્યક્તિને મહત્વ આપવું પડશે. જો હરએક વ્યક્તિના મનમાં શાંતિ નહી હોય તો વિશ્વમાં વાસ્તવિક શાંતિ કેવી રીતે આવશે? જો મારું મન વ્યાકુળ હશે, હંમેશા ક્રોધ, વેર, દુર્ભાવના અને દ્વેષથી ભરેલું હશે, તો હું વિશ્વને શાંતિ કેવી રીતે પ્રદાન કરી શકું? આ કરી જ નહી શકાય કારણકે સ્વયં મારામાં શાંતિ નથી. એટલે જ સંતોએ અને પ્રબુદ્ધોએ કહ્યું છે કે, "શાંતિ પોતાની અંદર શોધો." પોતાની અંદર સ્વયં નિરીક્ષણ કરીને જોવાનું છે કે શું સાચેમાં મારામાં શાંતિ છે. વિશ્વના બધા સંતો, સત્પુરુષો અને મુનિઓએ આ જ સલાહ આપેલી છે - પોતે પોતાની જાતને જાણો. એટલે કે કેવળ બુધ્ધીના સ્તર પર નહી, પણ જયારે પોતાની અનુભૂતિના સ્તર પર પોતાના વિષેની સચ્ચાઈને જાણીશું ત્યારે જીવનની સમસ્યાઓનું સ્વત: સમાધાન થતું જશે.
આમ કરવાથી વ્યક્તિ સર્વવ્યાપી નિસર્ગના નિયમને, કુદરતના કાનૂનને, કે પછી કહો કે ઈશ્વરની ઈચ્છાને સમજવા લાગતો હોય છે. આ નિયમ બધાને લાગુ પડે છે. જો હું પોતાની અંદર નિરીક્ષણ કરીશ તો જોઇશ કે જેવો મનમાં કોઈ મેલ જાગે છે, તત્પર શરીરમાં એની પ્રતિક્રિયા અનુભુત થવા લાગે છે. શરીર ગરમ થઈ જાય છે, બળતરા થવા લાગે છે, ધડકન વધી જાય છે, તણાવ અનુભવાય છે. હું વ્યાકુળ થઈ જાઉં છું. અંદર મેલ જગાવીને તણાવ ઉત્પન્ન કરું છું તો પોતાની વ્યાકુળતા પોતાના સુધી જ સીમિત નથી રાખતો. એને બીજાઓને પણ વ્હેચું છું. પોતાની આસપાસનું વાતાવરણ એટલું તનાવપૂર્ણ બનાવી દઉં છું કે જે મારા સંપર્કમાં આવે તે પણ વ્યાકુળ થઈ જાય છે. હું ભલેને કેટલી સુખ-શાંતિની વાતો કરું, મારી અંદર શું થઈ રહ્યું છે, એ શબ્દોથી અધિક મહત્વપૂર્ણ છે. અને જો મારું મન નિર્મળ હોય તો પ્રકૃતિનો બીજો નિયમ કામ કરવા માંડે છે. જેવું મારું મન નિર્મળ થાય, આ કુદરત કે ઈશ્વર મને પુરસ્કાર આપવા માંડે છે. મને શાંતિનો અનુભવ થાય છે. આ હું પોતાની અંદર સ્વયં જોઈ શકું છું.
કોઈ ભલે કોઈ પણ સંપ્રદાય, પરંપરા કે દેશના હોય, જયારે તે નિસર્ગના નિયમનો ભંગ કરી મનમાં મેલ જગાવે છે તો દુઃખી થતા હોય છે. કુદરત સ્વયં દંડ આપતી હોય છે. કુદરતના કાનુનનો ભંગ કરનાર તત્કાળ નારકીય યાતનાનો અનુભવ કરતા હોય છે. આ સમયે નારકીય દુઃખના બીજ વાવીએ છીએ, તો મૃત્યુ પછી પણ નારકીય દુઃખ જ મળશે. એજ રીતે, જો શું મનને શુધ્ધ રાખું, મૈત્રી અને કરુણાથી ભરું તો હમણાં પણ પોતાની અંદર સ્વર્ગીય સુખ ભોગવતો હોઉં છું અને આ બીજ મર્યા પછી પણ સ્વર્ગીય સુખ જ લાવશે. હું પોતાને ભલે હિંદુ કહું, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે બીજું કંઈ પણ કહું કોઈ ફરક નથી પડતો. મનુષ્ય મનુષ્ય છે, મનુષ્યનું માનસ મનુષ્યનું માનસ છે.
આ રીતે કન્વર્ઝન થવું જ જોઈએ – મનની અશુધ્ધતાનું, મનની અશુધ્ધતામાં. આ કન્વર્ઝન લોકોમાં આશ્ચર્યજનક પલટો લાવશે. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ પોતાની અંદર શરીર અને ચિત્તના પારસ્પરિક સંસ્પર્શને બરાબર રીતે જાણવાનું પરિણામ છે, જે એક વિશુધ્ધ વિજ્ઞાન છે. કોઈ પણ અભ્યાસ કરીને સમજી શકે છે કે મન કઈ રીતે શરીરને પ્રભાવિત કરતું હોય છે અને શરીર કઈ રીતે મનને પ્રભાવિત કરતું હોય છે. ઘણી ધીરજની સાથે જયારે આનું નિરીક્ષણ કરતાં જઈએ છીએ તો નિસર્ગના નિયમ ઘણા સ્પષ્ટ થતા જતા જોય છે, કે જયારે પણ આપણે ચિત્તમાં મેલ જગાવીએ છીએ, દુઃખી થઈએ છીએ અને જેવું ચિત્ત મેલથી વિમુક્ત થાય છે, શાંતિ-સુખનો અનુભવ કરવા લાગીએ છીએ. આત્મ નિરીક્ષણની આ વિધીનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે.
પ્રાચીન કાળમાં ભગવાન બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલી આ વિદ્યા વિશ્વભરમાં ફેલાઈ હતી. આજે પણ વિભિન્ન વર્ગોના, સંપ્રદાયોના લોકો આવીને આ વિધા શીખતા હોય છે અને એ જ લાભ પ્રાપ્ત કરતા હોય છે. ભલે એ પોતે પોતાને હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ઈસાઈ કહીને બોલાવ્યા કરે, આ નામોથી કોઈ ફરક પડતો નથી. મનુષ્ય મનુષ્ય છે, ફરક એ વાતથી પડશે કે જયારે તે અભ્યાસ દ્વારા વાસ્તવમાં ધાર્મિક બને, મૈત્રી અને કરુણાથી પરિપૂર્ણ થઈ જાય. એમના કર્મો સ્વયં એમના માટે અને બીજાના માટે હિતકારી બને. જયારે કોઈ વ્યક્તિ પોતાની અંદર શાંતિ જગાવે છે, તો એની આસપાસનું આખું વાતાવરણ શાંતિના તરંગોથી ભરાઈ જાય છે. એના સંપર્કમાં જે કોઈ આવે છે તે પણ શાંતિ અનુભવે છે. આ માનસિક પરિવર્તન જ સાચું પરિવર્તન છે, સાચું કન્વર્ઝન છે. આવશ્યકતા આ વસ્તુની છે. અન્યથા બધા બાહ્ય પરિવર્તન નિરર્થક છે.
હું વિશ્વને ભારતનો એક અણમોલ સંદેશ વાંચી સંભળાવાની અનુમતિ માંગું છું. આદર્શ શાસક સમ્રાટ અશોકના ૨૩૦૦ વર્ષ પૂર્વે પથ્થર પર કોતરેલા આ શબ્દો બતાવે છે કે શાસન કેવી રીતે કરવું જોઈએ.
"આપણે કેવળ પોતાના ધર્મનું (સંપ્રદાયનું) સમ્માન કરીને બીજાના સંપ્રદાયોની નિંદા નહીં કરવી જોઈએ." આજે આ સંદેશનું બહુ મોટું મહત્વ છે. બીજાના સંપ્રદાયની નિંદા કરીને પોતાના સંપ્રદાયની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં વ્યક્તિ માનવતાને માટે બહુ મોટી મુશ્કેલી ઉભી કરે છે. આગળ અશોક કહે છે, "આ ઉપરાંત અન્ય કારણસર બીજા સંપ્રદાયોનું સન્માન કરવું જોઈએ." દરેક સંપ્રદાયનો સાર મૈત્રી, કરુણા અને સદભાવના છે. આ સારને સમજીને આપણે દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. છાલ હંમેશા ભિન્ન હોય છે -- જુદાજુદા રીત-રીવાજ, કર્મકાંડ, અનુષ્ઠાન, ધારણાઓ વગેરે. એ બધાને લઈને ઝગડવાને બદલે એમની અંદરના સારને મહત્વ આપવું જોઈએ. અશોકના પ્રમાણે, "આમ કરવાથી આપણે પોતાના જ ધર્મની (સંપ્રદાયની) વૃધ્ધિ કરીએ છીએ અને બીજાના ધર્મોની પણ સેવા કરીએ છીએ. આનાથી વિપરીત વ્યવહાર કરવાથી આપણે પોતાના સંપ્રદાયની તો હાનિ કરીએ જ છીએ પણ એની સાથે બીજાના સંપ્રદાયની પણ.
આ સંદેશ આપણને સૌને ગંભીર ચેતવણી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સંપ્રદાયના પ્રતિ અતિ શ્રધ્ધાનો માર્યો બીજાના સંપ્રદાયની નિંદા કરીને એવું વિચારતો હોય કે આમ કરવાથી એ પોતાના સંપ્રદાયની શાન વધારે છે, તો એ પોતાના કૃત્યોથી પોતાના જ સંપ્રદાયની હાનિ કરતો હોય છે.
અંતમાં અશોક સર્વવ્યાપી ધર્મનિયામતાનો સંદેશ પ્રસ્તુત કરે છે. "આપસમાં મળીને રહેવું હિતાવહ છે. ઝગડો નહી કરવો. બીજાના સંપ્રદાયોનો જે ઉપદેશ છે તે દરેક લોકો સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક પણ રહે."
જયારે અસ્વીકાર અને નિંદા કરવાના બદલે આપણે દરેક સંપ્રદાયના સારને મહત્વ આપીશું ત્યારે જ સમાજમાં વાસ્તવિક શાંતિ અને સૌમનસ્ય સ્થાપિત થશે.
સર્વનું મંગળ થાય.
અહિંસા: ધર્મની વ્યાખ્યા માટે કૂંચી
સાંપ્રદાયિક ધર્મોમાં તફાવતો તો રહેવાના જ. છતાંય મુખ્ય માન્યતાઓના નેતાઓએ, આ વિશ્વ શાંતિ સમ્મેલનમાં ભેગા થઈ એ દર્શાવ્યું છે કે તેઓ શાંતિ માટે કામ કરવા ઇચ્છે છે. તો શાંતિને “સાર્વજનીન ધર્મ”નો પહેલો સિદ્ધાંત રાખીએ. આપણે સાથે મળીને ઘોષણા કરીએ કે આપણે જીવ હત્યાથી વિરત રહીશું અને આપણે હિંસાનો વિરોધ કરીએ છીએ. હું રાજકીય નેતાઓને પણ જેઓ શાંતિ અથવા યુદ્ધ લાવવામાં મુખ્ય ભાગ ભજવે છે તેઓને આ ઘોષણામાં જોડાવા વિનંતી કરું છું. તેઓ જોડાય કે ના જોડાય, આપણે તો અહીં અને અત્યારે એક સંકલ્પ કરીએ: હિંસા અને હત્યાને દરગુજર / જતાં કરવા કરતાં, આપણે ઘોષણા કરીએ કે કોઈ અપવાદ/શર્ત વિના અમે આવા કૃત્યોનો વિરોધ કરીએ છીએ, ખાસ કરીને ધર્મના નામ પર આચરેલી હિંસા.
અમુક આધ્યાત્મિક નેતાઓમાં તેમના પોતાના ધર્મના નામ પર કરાયેલ હિંસાની નિંદા કરવાની સંતવૃત્તિ અને નિર્ભીકતા રહી છે. માફી માંગવાની અથવા ભૂતકાળની હિંસા અને હત્યાનો ક્ષોભ કરવાની રીતમાં વિભિન્ન દાર્શનિક અને ધર્મ-શાસ્ત્રીય દૃષ્ટિકોણ હોઈ શકે છે; પણ ભૂતકાળમાં કરેલી હિંસાનો સ્વીકાર માત્ર એ અર્થઘટન કરે છે કે એ ખોટું હતું અને ભવિષ્યમાં તેને દરગુજર નહીં કરવામાં આવે.
સંયુક્ત રાષ્ટ્રોની છત્ર-છાયામાં, અહિંસાને પ્રકાશિત કરીને, અને હિંસા અને હત્યા પર કૃપા-દૃષ્ટિ રાખવાનો (ઉત્તેજન આપવાનો) ઇનકાર કરીને આપણે ધર્મ અને આધ્યાત્મની એક એવી વ્યાખ્યા તૈયાર કરીએ. માનવતા માટે આનાથી મોટું દુર્ભાગ્ય ના હોઈ શકે કે ધર્મની વ્યાખ્યા શાંતિ સાથે સમરસ કરવામાં નિષ્ફળ થઈએ. આ સમ્મેલન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થન કરવા, “સાર્વજનીન ધર્મ” અથવા ”બિન-સાંપ્રદાયિક આધ્યાત્મ” જેવી વિચારધારાનો પ્રસ્તાવ કરી શકે છે.
મારો વિશ્વાસ છે કે આ સમ્મેલન ધર્મના સાચા ઉદ્દેશ્ય તરફ વિશ્વનું ધ્યાન દોરવામાં મદદ કરશે:
ધર્મ આપણને જુદા નથી પાડતું;
એ દિલની શાંતિ અને શુદ્ધતા શીખવે છે.
આ ઐતિહાસિક સમ્મેલનના આયોજકોને એમની દીર્ઘદૃષ્ટિ અને પુરુષાર્થ માટે હું અભિનંદન આપું છું. અને હું ધર્મના અને આધ્યાત્મના નેતાઓને અભિનંદન આપું છુ, તેઓએ સમાધાન માટે કામ કરવાની પરિપક્વતા રાખી છે, માનવજાતિને આશા આપી કે ધર્મ અને આધ્યાત્મ શાંતિમય ભવિષ્યની તરફ લઈ જશે.
સૌ દ્વેષથી મુક્ત થાઓ અને સુખી થાઓ.
શાંતિ અને સૌહાર્દ સ્થાપિત થાય.